વચનામૃત ગઢડા મધ્યનું - ૨૮

સંવત ૧૮૭૯ના ફાગણ સુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વેદી ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

       પછી દવે પ્રાગજીએ કહ્યું જે, શ્રીમદ્‌ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શ્રીમદ્‌ ભાગવત તો સારું જ છે પણ સ્કંદપુરાણને વિષે શ્રી વાસુદેવ માહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી, કાં જે એ ગ્રંથને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા અહિંસાપણું એમનું અતિશે પ્રતિપાદન કર્યું છે, એમ કહીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વાલ્મીકિ રામાયણને વિષે અને હરિવંશને વિષે અતિશે હિંસાનું પ્રતિપાદન કર્યું છે અને રઘુનાથજી પણ ક્ષત્રિયની પ્રકૃતિએ વર્ત્યા છે અને રઘુનાથજીને વિષે શરણાગત-વત્સલપણું તો ખરું પણ જે શરણાગત હોય ને તે જો જરાય વાંકમાં આવ્યો હોય તો તેનો તત્કાળ ત્યાગ કરી દે, જો સીતાજીને માથે લગારેક લોકાપવાદ આવ્યો તો અતિ વહાલાં હતાં, પણ તત્કાળ ત્યાગ કરી દીધો. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, એવી તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારી પ્રકૃતિ તો એવી નથી; અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશે દયા વર્તે છે અને પાંડવોને વિષે પણ અર્જુનની પ્રકૃતિ બહુ દયાળુ હતી અને પુરુષમાત્રને વિષે તો રામચંદ્રજી તથા અર્જુન એ જેવો કોઈ પુરુષ નથી અને સીતાજી ને દ્રૌપદી એવી કોઈ સ્ત્રીમાત્રમાં સ્ત્રીઓ નથી. હવે અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ જે, અમારો દયાળુ સ્વભાવ છે, તોપણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને એને જો હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણો ઇચ્છું પણ બોલવાનું મન થાય જ નહિ, અને જે ભગવાનના ભક્તની સેવા-ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશે રાજીપો થઈ જાય છે. (૧) અને અમારી પ્રકૃતિ એમ છે જે, થોડીક વાતમાં કુરાજી પણ ન થાઉં, અને થોડી વાતમાં રાજી પણ ન થાઉં ને જ્યારે જેમાં રાજી થયાનો કે કુરાજી થયાનો સ્વભાવ બહુ દિવસ સુધી જોઉં છું ત્યારે રાજીપો ને કુરાજીપો થાય છે, પણ કોઈના કહ્યા-સાંભળ્યા થકી કોઈની ઉપર રાજીપો કે કુરાજીપો થાતો નથી, અને જેટલો જેનો ગુણ અમારા મનમાં જણાઈ જાય છે તેટલો તેનો ગુણ આવે છે. (૨) અને અમારે તો એ જ અંગ છે જે જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું, એ જ મારે વિષે મોટો ગુણ છે અને એટલો ગુણ જેમાં ન હોય તો તેમાં કોઈ જાતની મોટ્યપ શોભે નહીં. (૩) અને ભગવાનના ભક્તનો જેને જેને અભાવ આવ્યો છે તે અતિશે મોટા હતા તોપણ પોતાની પદવી થકી પડી ગયા છે, અને જેનું રૂડું થાય છે, તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે, અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. અને વળી જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે. (૪) માટે અમારો તો એ જ સિદ્ધાંત છે જે ભગવાનનો રાજીપો હોય ને ભગવાનના ભક્તનો સંગ હોય, તો ભગવાનથી અનંત વર્ષ સુધી છેટે રહીએ તોપણ કાંઈ મનમાં શોક ન થાય અને ભગવાનની પાસે રહેતા હોઈએ ને જો ભગવાનનો રાજીપો ન હોય તો તેને હું સારું નથી જાણતો અને સર્વ શાસ્ત્રનો પણ એ જ સાર છે જે, ભગવાનનો જેમ રાજીપો હોય તેમ જ કરવું અને જેમ ભગવાનનો રાજીપો હોય તેમ જે ન કરે તેને ભગવાનના માર્ગ થકી પડ્યો જાણવો અને જેને ભગવાનના ભક્તનો સંગ છે ને ભગવાનનો રાજીપો છે, ને તે જો મર્ત્યલોકમાં છે તોપણ ભગવાનના ધામમાં જ છે, કેમ જે, જે સંતની સેવા કરે છે ને ભગવાનના ગમતામાં છે તે ભગવાનને સમીપે જાઈને જ નિવાસ કરશે અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્ત ઉપર ઈર્ષ્યા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે, માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારુ જન્મોજન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે, અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. પછી મુક્તાનંદ સ્વામી આદિક જે સર્વે હરિભક્ત હતા તેમણે હાથ જોડીને કહ્યું જે, હે મહારાજ ! અમારે પણ એ જ નિશ્ચય રાખવો છે, એમ કહીને સર્વે હરિભક્ત વિનંતીએ સહિત શ્રીજીમહારાજને પગે લાગ્યા. પછી વળી શ્રીજીમહારાજ બોલ્યા જે, આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિષે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરીરૂપ છે. (૫) ઇતિ વચનામૃતમ્‌ ।।૨૮।। (૧૬૧)

          રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે દયાળુ છીએ, પણ અમારા ભક્તનો દ્રોહ કરે તેનો અભાવ આવે છે. (૧) અને રાજી થયાનો ને કુરાજી થયાનો તપાસ કરીને રાજી-કુરાજી થઈએ છીએ. (૨) અને અમારા ભક્તની ભક્તિ એટલે સેવા કરવી એ ગુણ જેમાં ન હોય તેની મોટ્યપ શોભે નહીં. (૩) અને અમારા ભક્તની સેવાથી રૂડું થાય છે ને દ્રોહથી ભૂડું થાય છે ને અમારા ભક્તની સેવા કરે તેના ઉપર અમે રાજી થઈએ છીએ અને દ્રોહ કરે તે ઉપર કુરાજી થઈએ છીએ. (૪) અને જેના ઉપર અમારો રાજીપો હોય તે મર્ત્યલોકમાં છે તોપણ અમારા ધામમાં જ છે અને જેના ઉપર અમારો રાજીપો નથી તે અમારા ધામમાંથી પણ પડશે. (૫) બાબતો છે.

       પ્ર. ત્રીજી બાબતમાં અમે અમારા ભક્તની ભક્તિ કરીએ છીએ એમ કહ્યું તે શ્રીજીમહારાજ શી ભક્તિ કરતા હશે ?

       ઉ. પોતાના ભક્તની કાળ, કર્મ, માયા થકી રક્ષા કરીને પોતાના ધામમાં લઈ જઈને પોતાનું સુખ આપે છે એ ભક્તિ કહી છે.

       પ્ર. અમારા ભક્તની ભક્તિ કરવી એ ગુણ જેમાં ન હોય તેની મોટ્યપ શોભે નહિ એમ કહ્યું તે ભક્તિ કઈ જાણવી ?

       ઉ. આ ઠેકાણે ભક્તિ એટલે સેવા કહી છે તે સેવા કઈ તો જેમ શ્રીજીમહારાજને અર્થે થાળ કરીને જમાડે તેમ શ્રીજીમહારાજના ઉત્તમ ભક્તને અર્થે પણ થાળ કરીને તેમને જમાડે અને શ્રીજીમહારાજને અર્થે જેમ પાંચ રૂપિયાનું ખર્ચ કરે તેમ તે ભક્તને અર્થે પણ કરે ને સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે, નવરાવે, તે ભક્તિ જેમાં ન હોય તેને વિષે કોઈ જાત્યની મોટ્યપ શોભે નહીં.

       પ્ર. પાંચમી બાબતમાં જેના ઉપર અમારો રાજીપો છે તે મર્ત્યલોકમાં છે તોપણ ધામમાં જ છે અને ધામમાં છે તોપણ અમારો રાજીપો નથી તો તે ધામમાંથી પડશે એમ કહ્યું તે શ્રીજીમહારાજના ધામમાંથી પડવાની રીત નથી માટે તે મર્ત્યલોક અને ધામ શું સમજવું ?

       ઉ. શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે જ્યાં વિરાજમાન હોય ત્યાં સદાય સેવામાં ભેળો રહેતો હોય તે સ્થળને આ ઠેકાણે ધામ કહ્યું છે અને શ્રીજીમહારાજથી જુદું રહેવું પડતું હોય તેને મર્ત્યલોક કહ્યું છે. અને જે શ્રીજીમહારાજથી જુદો રહીને સંતની સેવા કરતો હોય ને તેના ઉપર શ્રીજીમહારાજનો રાજીપો હોય તો તે અક્ષરધામમાં જાય; અને ભેળો રહેતો હોય પણ શ્રીજીમહારાજનો રાજીપો ન હોય તો પડી જાય એમ કહ્યું છે.

       પ્ર. આ વાર્તા સારનું સાર ને જીવનદોરીરૂપ છે એમ કહ્યું તે વાત કઈ જાણવી ?

       ઉ. સર્વ કારણના કારણ અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની પ્રાપ્તિ કોટિ સાધને ને કોટિ કલ્પે પણ તેમના ધામમાંથી આવેલા સંત વિના થાય તેમ નથી, તે સંતની સેવા કરવી ને મન-કર્મ-વચને અનુવૃત્તિમાં રહેવું ને તેમનો દ્રોહ થવા દેવો નહિ, કેમ જે આવા ભગવાન ને આવા મુક્ત તે સર્વને અગમ્ય છે ને ફેર મળવા દુર્લભ છે, માટે આ વાત સારનું સાર છે ને જીવનદોરીરૂપ એટલે પોતાના પ્રાણથી પણ અધિક વહાલી કરી રાખવા જેવી છે ને જાણવા જેવી છે માટે જીવનદોરીરૂપ કહી છે. અને જો એવા મોટા સંતનો દ્રોહ થાય તો આત્યંતિક મોક્ષ બંધ થઈ જાય માટે સેવા કરવી ને દ્રોહ ન કરવો એમ કહ્યું છે. ।।૨૮।।